બધું બરાબર છે.

બારીમાંથી આવતો કુમળો તડકો અને રવિવારની સવાર, આ બન્ને એ એક સાથે સુખ દુઃખ આપી દીધું હોય એવું લાગે છે. ઘરમાં જોરથી વાગતું અંગ્રેજી ગીત સાંભળીને લાગે છે ભાઈ મુંબઈથી આવી ગયો છે. ચાલો, ગમે તેમ તો ઉઠવું પડશે એવું માનીને હું ઊભી થઈ. પપ્પા છાપુ વાચતા હતા. એમતો બધું ઠીકઠાક છે જીવનમાં પણ સાલું બહાર કોરોના ચાલે છે એવું ભૂલાય ગયું. 
મસ્ત મમ્મીનાં હાથના બટેટા પૌઆ ખાઈને મોબાઈલ મચેડવા લાગી. 
ક્યાં કોઈના ઘરે કેટલા કોરોના પોઝિટિવ છે, કોણ ઘરે મુત્યુ થાય છે, કોણ કોણ રૂમમાં પુરાયેલું છે, બધા ખબર મને મોબાઈલમાંથી મળી ગયા. કુંભમેળામાં માનવમેદની જોઈને દોષ કોના પર નાખવો એ હજી સમજાતું નહોતું. હું વિચારતી ચલો, મારા ઘરમાં તો બધા તંદુરસ્ત છે એટલે વાંધો નથી. આવું વિચારતા વિચારતા ક્યારે આંખ લાગી ગઈ ખબર જ ના પડી. 

થોડીવારમાં સમાચાર આવ્યા કે બાજુમાં રહેતા મુકેશભાઈ ગુજરી ગયા. એમના ઘરમાંથી રોકકલનો અવાજ આવતો હતો, ત્યાં એક ફોન આવ્યો કે મારા ફુઆ વેન્ટિલેટર પર છે અને નહિ બચી શકે. હજી થોડી કળ સુજે ત્યાં તો મારો એક ભાઈબંધ ફોન કરીને મને કહે છે કે, "મારે નથી જીવવું, હું લડી લડીને કંટાળી ગયો છુ મને છુટકારો જોઈએ છે." ઘરમાં બધાના મોઢા રોવા જેવા હતા. ક્યાં જવું શું કરવું કાઈ જ સમજાતું નહોતું. મારા પપ્પા ટીવીમાં સમાચારો જોવા લાગ્યા બહાર તો અલગ જ અફર તફરી મચી ગઈ હતી. કોરોના વાયરસે નવું સ્વરૂપ લીધું છે, માત્ર શ્વાસ લેવાથી એટલી ઝડપી અસર લાગે છે કે માણસ ૨ કલાકમાં ઢળી પડે છે. આટલી હદ સુધી ખતરનાક છે કે હવામાં ફેલાઈ રહ્યો છે. લોકો મદડાઓ લઈને દોડતા હતા. એક્ટિવા પર નાની સાઇઝ નું અને ગાડીમાં મોટી સાઇઝનું. 

મારી આંખો આ દૃશ્ય જોવા હાજર છે એનો મને ધક્કો લાગ્યો. એકસાથે આટલા દુઃખદ સમાચાર સાંભળીને મમ્મીએ એકસાથે ટીવી, રેડિયો અને મોબાઇલ બંધ કરી દીધા. અમે ચારેય સોફા પર બેસી ગયા. એકદમ સન્નાટો હતો ઘરમાં. હવે શું? અમારા પરિવારના અસ્તિત્વનું શું? અમને ગમે તે સમયે કઈક થઈ ગયું તો કોણ દોડશે? ભાઈનું મગજ આગળની વ્યવસ્થામાં લાગી ગયું. એ તરત ઊભો થઈને લાકડા ભેગા કરવા લાગ્યો, મનમાં બબડતો જાય, "હું અગાસીમાં જોઈ આવ્યો છું, સ્મશાનની ચીમની લાલચોળ છે, બહાર લાંબી લાઈન લાગી છે, લોકો શબ ઉપાડીને ઊભા છે. ચિમની આખી પીગળી રહી છે. આપડે અહીંયા ... અહીંયા ફળિયામાં ખાડા ખોદીને રાખીએ, કોણ ક્યારે જશે હવે નક્કી નથી. હું કોઈને લઈને એ સ્મશાનની લાઇન મા નથી જવાનો... હું.... પપ્પા.... મને મદદ કરો... બેસી રહેવાથી નહિ થાય... જ્યાં સુધી સાથે છીએ બધા એકબીજાની આસપાસ રહો." 
મમ્મી એને વળગી રહી, "બેટા શાંત થઈ જા, ઘરની બહાર કેમ નીકળ્યો તું, બધા બરી બારણાં બંધ કરી દે, આપણને કાઈ નહિ થાય." પણ ભાઈને હકીકત ખબર હતી હવે એમાં પપ્પા પણ ઉમેરાયા. હું અને મમ્મી ચોધાર આંસુઓ પાડવા લાગ્યા. બન્ને એકબીજાને ભેટીને ભાઈ અને પપ્પા ફળિયામાં શું કરે છે જોતા રહ્યા. કુદરતની ક્રૂર દૃષ્ટિ મારા પપ્પા પર પડી અને એ ખોખરો ખાઈ ખાઈને નીચે બેસી ગયા. ભાઈ એને પકડે પણ પપ્પા જમીન પર એવા સૂઈ ગયા કે જાણે હવે ઊભા ન થવાનું હોય.,"પપ્પા, બસ તમે શ્વાસ લેતા રહજો હમણાં કોઈને મદદ માટે બોલવું છું" કહીને ભાઈ રોડ પર ચાલ્યો ગયો. 
થોડીવારમાં ઘરની ઘંટડી વાગી અને દૂધવાળો આવ્યો. મે ઝબકીને જોયું તો સપનું હતું. હાશ.... મારા જીવમાં જીવ આવ્યો. થોડીવાર તો બેઠી થઈને મુગ્ધ અવસ્થામાં વિચારે ચડી ગઈ. ત્યારે થયું કે સાલું જે સપનું હતું એમાં કોઈએ માસ્ક તો પહેર્યું નહોતું. અને મારા ઘરમાં સેનીટાઈઝર જ નહોતું. મારા ઘરમાં શું, ક્યાંય મે તો એનો ઉલ્લેખ સાંભળ્યો જ નહિ. એલા...... મગજમાં સખત થપ્પો વાગ્યો કે, માસ્ક કેટલી મહત્વની વસ્તુ છે. ૬ ફૂટની દુરી અમસ્તાં અમસ્તાં જ નથી રાખી સરકારે. ઉલ્ટાનું ચૂંટણીઓ ચાલે, કુંભ મેળા ચાલે, લગ્ન થયા કરે, બસ કે ટ્રકમાં માણસો ભરી ભરીને રસ્તા પર દોડતા હોય. જો આ બધું ધ્યાન નથી રાખ્યું તો ખરેખર મારું સપનું સાચું પડશે, હા... આ એક જ મારું સપનું છે જે સાચું ના પડવું જોઈએ. 

 - "અલગારી"

Comments

  1. ધણી વખત એવા સપનાઓ પણ જોયા છે. જેના લીધે મહિનાઓ સુધી ઉંઘયો જ નથી.. સપના સારા હોય છે , અને ખરાબ પણ. બસ હવે સપના થી નફરત છે...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સિગારેટ

બોડી શેમિંગ!!