ઋણાનુબંધ

| "અવસર વહી જશે તો ફરી આવશે નહિ,
આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે" |
-શૂન્ય પાલનપૂરી


શિયાળાની સવાર ને રવિવાર નો દિવસ. સમીર ૧૧ વાગ્યે ગાઢ નિંદ્રા માં હતો અને મોબાઇલ રણક્યો, જોયું તો દુબઈ એરપોર્ટ નો નંબર બતાવે. એક રીંગ વાગી, બીજી.. અને છેલ્લે ત્રીજી રીંગ એ ફોન ઉપાડ્યો. પેલી પાર થી કંઇક છોકરીનો અવાજ આવતો હતો જે માંડ ૩૦ સેકંડ ચાલ્યો. સમીર તો કંઈ જ બોલ્યો નહિ, અને ભાગ્યો ગાડી ની ચાવી લઈને અમદાવાદ એરપોર્ટ. 

છેલ્લા એક દાયકા થી સમીરના જીવન માં ઘણા ઉતાર ચડાવ આવ્યા હતા. જો સમીર વિશે કહીએ તો એકદમ સીધો સામાન્ય પરિવાર નો છોકરો, લાંબો અને કોઈ પણ છોકરીને ગમી જાય એવું વ્યક્તિત્વ. ૧૨માં ધોરણ પછી મેડિકલ માં એડમીશન ના મળતા B.Pharm માં એડમીશન લીધું. પણ પૂરા ૪ વર્ષ ના કૉલેજકાળ માં રમતિયાળ કાનુડા ની જેમ ૧૦ ૧૨ જેટલા બ્રેક અપ થઈ ગયા. 
એકદિવસ ભાઈબંધ સાથે મસ્તી કરતા મેસ માં એક છોકરીએ ચુપકી થી એની સેવન અપ ની બોટલ ની જગ્યા એ પોતાની મૂકી દીધી. આ હરકત ની ભનક આવતા જ સમીર ખેંચાઈને એ છોકરી તરફ ગયો અને પૂછ્યું, " હમણાં તે આ શું કર્યું?" " સમજી લે કે એ બોટલ નથી પણ મારું દિલ છે." સમીર ને તો આ ગજબ અંદાઝ નો પ્રસ્તાવ સાંભળીને જ રૂંવાટા ઊભા થઈ ગયા પણ સ્વસ્થ થઈને બોલ્યો, " તું મને ઓળખાતી નથી લાગતી, મારા માટે પ્રેમ ક્યારેય ટકતો નથી. અમે તું જો સાહસ કરવા માંગતી હોય તો પાછળથી પછતાતી નહિ." હજી વાક્ય પૂરું પણ નથી થયું ને સામો જ જવાબ, "હું તને તારાથી વધારે ઓળખું છું, પણ તું પ્રેમ માં પડીને પછતાતો નહિ." સમીર ને તો આવી સળગતો જવાબ દેવા વળી પહેલીવાર મળી હતી અને ગમતાનો ગુલાલ કરવામાં ક્યાં વાર j લાગે છે! ના દોસ્તી કરી ના તો દૂર થયો, સીધો જ એના પ્રેમ માં. 

આતો એવું થયું કે,

| "હું ક્યાં કહું છું તમારી હા હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ" |
-મરીઝ


એ છોકરી હતી નેહા, આખું નામ નેહા કુંવરબા રાજેશસિંહ  સોલંકી. એના નામ માથી જ રાજ રજવાડાની ઝલક આવતી હતી. બધાની નજર નેહા અને સમીર પર જ રહેતી, કે એમના પ્રેમ પ્રકરણ નું શું થશે. કોઈના મનની ભીતર જઈને કેમ જોઈ શકે? નેહા ઘણી આશાવાદી છોકરી હતી. એના મન માં ગોખાયેલું હતું, કે પરણવું તો શ્રીમંત છોકરા સાથે જ! નહિ ભવિષ્ય ની ચિંતા નહિ માબાપ ને ચિંતા. એના આ મુકામ સુધી પહોંચતા સમીર ને બે વર્ષ થઈ ગયા હતા. છેવટે હાથ માં કશું આવ્યું નહિ. થોડા જ દિવસો માં નેહા એ હચમચાવી દીધો, "જો તારાથી સદ્ધર ના થવાતું હોય તો ચોખ્ખુ કહી દેજે." હવે એ માને એવી લાગતી નહોતી. એક સળગતી ચિનગારી ને દાવાનળ બનાવીને એ તો ઝપાટાભેર ત્યાંથી ચાલી ગઇ. 

|"જરા પણ ના પિગળ્યું તારું હૃદય, ક્યાંથી લાવી હતી તું એવો કિંમતી પથ્થર!" |

સમીર ઘણો મૌન રહ્યો હતો. એણે ઘણા દિવસો અને મહિનાઓ સુધી એની રાહ જોઈ. પણ પાછું વાળીને જોવે એવી નેહાની ફિતરત નહોતી. સમય ક્ષિતજ સુધી પહોંચે ને સામો નહિ આવે એવા ખયાલ થી સમીર પણ હવે આગળ વધી ગયો હતો.

 |"हम गुमनाम है तो गुमनाम ही अच्छे, 
किसीको धोखा देकर बदनाम नहीं होना।" | 

 દવાખાના ની બાજુમાં એક દવાની દુકાન અને દુકાન માં ટીવી રાખીને ક્રિકેટ જોયા કરતો. નહિ આગળ વધવાની ધગશ કે નહિ એને યાદ કરવાની ઈચ્છા. આમ ને આમ ૩ વર્ષ સુધી ચાલતું રહ્યું. 
ત્યાં જ પેલો દુબઈ એરપોર્ટ થી ફોન ! 

|" કિન્તુ હજીયે પ્રેમને માનું છું જિંદગી,
જોકે ખતમ થઈ ગયો છું તારી ચાહ માં" |
- મરીઝ

"હેલો, હું ગમે તેમ અમદાવાદ પાછી આવી રહી છું, શું તું મને લેવા આવીશ?" "આ અવાજ કંઇક જાણીતો છે, પણ યાદ નથી આવતું, ખેર જેનો પણ હશે ક્યારેક તો મારી સાથે જોડાયેલી જ હશે આ છોકરી." એવું વિચારીને અમદાવાદ એરપોર્ટ પહોંચ્યો. દુબઈ થી જેટલી પણ ફ્લાઇટ હોય એની તપાસ કરીને જાણી લીધું કે ૨ વાગે એક ફ્લાઇટ લેન્ડ કરવાની છે. બસ એને તો રાહ જ જોવાની હતી, શું હોય શકે, કોણ હોય શકે, કોનો અવાજ હતો? એ નેહા જેવું લાગતું હતું પણ નેહા જેટલી ગતિ થી નીકળી હતી, એટલી ગતિ થી પાછી તો ના જ આવે. આવા કંઇક કેટલાય વિચારો સમીર ના માં માં  દોડ્યા કરે. થોડીવાર પછી ઘડિયાળ માં જોયું તો ૩:૪૫ થઈ ગઈ હતી. "હવે હું કેટલી વાર અહ્યા ઊભો રહું?" એવું વિચારીને એ તો પાર્કિંગ તરફ ચાલ્યો ગયો. ત્યાં જઈને જોયું તો  એની વારસાગત ઓલ્ટો ની બાજુમાં નેહા જ ઊભી હતી. સમીર હવે અસમંજસ માં છે, શું વાત કરવી, કેમ મારી જરૂર પડી. 

 | "એ સૌથી ઉંચો તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હોય ને કશું યાદ ના આવે." |
-મરીઝ


એવા કંઇક ને કૈક સવાલો એના મન માં હતા. પણ સવાલ એક જ પૂછ્યો, "મારે તને કેટલા દિવસ ઘરે રાખવાની છે અને પછી તું ક્યાં જવાની છે?" નેહાએ જાણે વર્ષો ની ચૂપકી ખોલી હોય એમ, "આમ તો વર્ષો સુધી તારે ત્યાં જ રેહવું છે, પણ હવે તું ઘડીભર માં મારા પ્રેમ માં પડીશ નહિ ને!" "તું પાછી કેમ આવી?" "હું મારા ઘરેથી ભાગેલી વ્યક્તિ છું,તે કદાચ મારી ભાળ નહિ રાખી હોય પણ હું મારા ખાનદાન ને બદનામ કરીને સાત દિવસ ના પ્રેમ સાથે ભાગેલી નેહા છું." કઈ પણ વિચાર્યા વગર સમીર ને અંદાજો આવી જ ગયો, "તો જેણે તને દગો આપ્યો એનાથી પણ તું અત્યારે ભાગીને આવી છે?" 

નેહા ખડખડાટ હસી રહી છે, સમીર ને સુઝ નથી પડતી એવું તો શું બોલી ગયો? એના હાવભાવ બદલવાની જલ્દી હોય એમ નેહા ઉકેલતા બોલી,"માનું છું કે એ પ્રેમ નહોતો, અમે સાથે દુબઈ માં ધંધો ચાલુ કર્યો હતો, બધું રોકાણ મારું હતું અને મેહનત એની, છતાં એનો લોભ વધતો ગયો અને મારા પર વિશ્વાસ ઘટતો ગયો. અમારા વચ્ચે છેલ્લે ઘણો મોટો ઝગડો થયો હતો." સમીર ને થોડી હાશ થઈ, " તો તે એને મારી વારી નથી નાખ્યો ને? તારો ગુસ્સો ઘણો કાતિલ હતો જ્યારે તું મારી સાથે હતી." "હા, મે એને આજે પહોંચાડી દીધો છે ઉપર! " સટ્ટાક દઈને સમીર એ બ્રેક મારી. હાથ તો ધ્રુજવા જ લાગે ને, હવે તો દુબઇની પોલીસ નેહા ની પાછળ પડશે. "એમાં મારો કોઈ જ વાંક નહોતો, જે પણ કર્યું એ મારા બચાવ માટે કર્યું છે." સમીર નો જીવ તો નહોતો ચાલતો," મારે એવા કોઈ લોચા માં પડવું નથી, તું શાંતિ થી ગાડીની નીચે ઉતરીને જ્યાં જવું હોય ત્યાં જા, આખું અમદાવાદ પડ્યું છે."  "જો સમીર મને થોડા દિવસ રાખી લે, તને આપણા પ્રેમ ના સમ છે." 
"હું તારી કોઈ જ વાત માં  પાડવાનો નથી. તું તારો રસ્તો કર જેમ તે ૩ વર્ષ પેહલા કર્યો હતો." હવે તો નેહા ને કઈ જ બોલવા જેવી રાખી નહિ. ગાડી ની બહાર ઉતરીને બે ડગલે આગળ ચાલી, સડસડાટ કરતો એક ટ્રક નેહા ને રસ્તે ચોંટાડી ગયો. આ ખતરનાક દૃશ્ય સમીર ને એવા ઊંડા ઘા માં નાખી ગયું કે ના તો એ જીવી શકશે, ના તો નેહા પાસે જઈ શકશે. 

| "હવે   જિંદગીભર રુદન કરવું પડશે,
કે મોકા પર આંખમાં આસુ ના આવ્યા!"|
-મરીઝ



-વેદિકા શાહ.

Comments

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!