અપરિણીત

| નથી પૂછતો ઓ સમય,
 કે હજી તું દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, 
જોઇએ તારે આખર જખમ કેટલા?|
-શૂન્ય પાલનપુરી

"મારી માટે પાછું એ જ શહેર જવું અઘરું છે, હું એને ત્યાં મળ્યા વગર તો નહિ રહી શકું. પણ હું આટલા ટૂંકા સમયમાં એને શોધીશ કેમ?" આવા તો કંઇક કંઇક વિચારો મારા મગજ માં ચાલતા હતા. રસ્તો કપાતો હતો અને મારા ધબકારાની ગતિ વધતી હતી. જ્યારથી હૃદય કઠણ કર્યું છે ને, ત્યારથી એની ભાળ નથી મેળવી. 

|ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું 
બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું
વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા
કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું|
-ઉમ્મર ખૈયામ

"મિસ શિવાની, તમે સહયોગ ઇન્ફ્રા માથી આવો છો ને?" એક પાતળો સરખો, વાકડિયા વાળ અને મોઢા પર એકદમ સકારાત્મતા લઈને મને પૂછે છે. 
"હા હું હજી ટેક્સી ની જ રાહ જોતી હતી. તમને રૂપક કંપની માથી મોકલ્યા છે?"
"હા, હું નીરવ ભટ્ટ. કંપનીનો પ્રોજેક્ટ મેનેજર કમ ડ્રાઇવર."  હજી તો હું કઈ બોલવા જાવ એના પેલા જ,
 "આજે કંપની માં ડ્રાઇવરો ની અછત છે, તો મને મોકલ્યો છે, એક મહિલા અતિથિને કષ્ટ ન પડે એટલે હું પોતે જ આવી ગયો." 
 "થેક્યું મિસ્ટર નીરવ." 
એની ગાડીમાં આતિફ અસ્લમ ના જ ગીત વાગતા હતા. હવે હું એને કેમ સમજાવું કે જે ગીતો સાથે મારો પ્રેમ મોટો થયો હતો એ જ સાંભળવું અને એ પણ પ્રેમની ગેરહાજરીમાં? ઘણું મુશ્કિલ છે જૂનો પ્રેમ ભૂલવો જ્યારે તમે એ જગ્યા હજી એના માટે ખાલી રાખી હોય. નીરવ ઘણો વાતોડિયો હતો. ક્યાં રસ્તો પૂરો થયો ખબર ન પડી. જોતજોતામાં મારી હોટેલ આવી ગઈ. નીરવ એ છેલ્લો સવાલ પૂછ્યો, 
"બીજું કઈ કરી શકું તમારી સેવામાં?" એની વાત પરથી જ ખબર પડી ગઈ કે, એને મારા પ્રેમ ની જગ્યા જોઈતી હશે. ખેર, મારી તો અહીંયા એક દિવસ નું જ કામ છે, બાકી ચિનગારી લગાડી હોય એ જગ્યા એ આગ જોવા થોડી ઊભા રહેવાય?! 

|મિલનની ઝંખના તો જો! કે તારી શોધ કરવામાં,
લીધી છે રાહ એવી પણ કે જે તારી ગલી નહોતી!|
-બેફામ

 "આ શહેર પહેલા જેટલું જ શાંત અને પોતીકું લાગે છે. ફરક કોઈના સાથે ના હોવાનો છે. " મેં થોડું મગજ લગાવીને પ્રેમ ને ઇન્ટરનેટ પર શોધવાની કોશિશ કરી. પણ પ્રેમ શર્મા નું કોઈ નામોનિશાન મળ્યું નહિ. આવી જ જૂની પુરાની યાદોથી રાત નીકળી ગઈ. બીજે દિવસે સવારે મિસ્ટર નીરવ મારી મહેમાનગતિ કરવા આવી જશે પછી સાંજે તો પાછું પોતાના શહેર! આ માત્ર વિચારથી ઊંઘ સારી આવી ગઈ. 

"શું હું અંદર આવી શકું મિસ શિવાની?" 
નીરવ ફરી એ જ અંદાજ માં હાજર થયો. "ગુડ મોર્નિંગ નીરવ! હું તૈયાર છું, આપણે કંપની તરફ રવાના થઈએ?" નીરવ આજે ગઇકાલ કરતાં ચડિયાતી ગાડી લઈને લેવા આવ્યો હતો. 
મારાથી સહજ રીતે પૂછાય ગયું.
"તમારા સીઈઓ ઘણા દિલદાર લાગે છે, આટલી મોંઘી પોતાની ગાડી મહેમાન માટે રાખે છે." નીરવ ઉત્સાહથી બોલ્યો,"અમારા પ્રેમ સર છે જ એવા! અંદરની વાત કહું તો પ્રેમ સરનો હું એક માનીતો અને ચહિતો છું." 
હું તો ભડકી ગઈ આ પ્રેમ નામ સાંભળીને જ, "પ્રેમ એટલે પ્રેમ શર્મા?" 
"હા મેડમ, પ્રેમ શર્મા જ." મારું આખેઆખું આકાશ હલી ગયું. પણ જરા પણ હાવભાવ માં બદલાવ લાવું, તો નીરવને ખબર પડી જાય. એટલે ફરી એમ જ રસ્તો કપાતો ગયો, અને મારા ધબકારા ની ગતિ વધવા લાગી. 

|અશ્રુ પછીનાં સ્મિતનું આ દ્રશ્ય તો જુઓ,
વર્ષા પછીનો જાણે કે પહેલો ઉઘાડ છે.|
-બેફામ

પાછળના દિવસો યાદ કરીએ તો મારા અને પ્રેમ ના એરેંજ મેરેજ નક્કી થયા હતા. જ્યારે પ્રેમ મને  પહેલીવાર જોવા આવ્યા હતા, એ પહેલી નજરનો પ્રેમ જેવું કંઇક હતું. પહેલી જ મુલાકાત માં ગોળ ધાણા ખવાય ગયા હતા, પણ લગ્ન માટે ૨ વર્ષની મુદ્દત રાખી હતી. અને એ બે વર્ષ મારા જીવનના સૌથી અદભૂત હતા. પ્રેમ નો સ્વભાવ જ હતો મને ખુશ રાખવી, જો કદાચ આ કંપનીમાં મારો જ પ્રેમ હશે તો હું એનો કેવી રીતે સામનો કરીશ! 

|ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દોષ એમાં અમારોય છે,
એક તો કંઈ સિતારા જ નહોતા ઊગ્યા, ને અમે પણ શમાઓ બુઝાવી દીધી.|
-બેફામ

નીરવ મને વાત વાતમાં ક્યાં એની કંપની વીસીટ પતાવી ગયો એ ખબર જ ના પડી. હવે સમય આવ્યો સીઈઓ ને મળવાનો! ધબકારા તો એમ જ ભાગતા હતા. અને પહોંચી ગઈ હું પ્રેમની કેબિન પાસે.
"કમ ઇન મિસ શિવાની. " આ તો એ જ અવાજ ! આતો મારો જ પ્રેમ! મને બે ઘડી મોડું પડ્યું એની કેબિન માં ઘુસતા.
 "શિવાની શું તમે અહીંયાથી પણ ભાગી જવાનું વિચારતા હતા?" પ્રેમ એ અટ્ટહાસ્ય કરીને વાત ચાલુ કરી.
"પ્રેમ! તું મને ક્યાંય મળ્યો કેમ નહિ! મેં તને ઇન્ટરનેટ પર શોધવાની ઘણી કોશિશ કરી." મારાથી પૂછાય ગયું. 
"શિવાની, જેને આપણે દિલથી શોધીએ એ મળી જ જાય! જો હું તારી સામે જ ઊભો જ છું."
"પ્રેમ ચલ આપણે પરણી જઈએ, તારી જગ્યા તો મે ખાલી જ રાખી છે." 
"શિવાની તે મને પૂછ્યું, કે તારી જગ્યા ખાલી રહી છે કે નહિ?" 
પ્રેમ ના તો અંદાજ જ બદલાયેલા હતા. "શિવાની કોઈ તું રણભૂમિ મૂકીને ભાગી ગઈ હતી. તને યાદ તો છે ને તું મંડપ છોડીને ભાગી હતી! " 
કાપો તો લોહી ના નીકળે એવી પશ્ચાતાપ ની લાગણી થઈ રહી હતી. "પણ તને હું ભાગતા પેહલા મળી હતી, તને જાણ હતી કે હું ક્યારેય માં નથી બની શકવાની, અને તારા ઘરમાં બધા વારીસના ભૂખ્યા હતા." મેં અંતે એને ચૂપ કર્યો. 
"શિવાની, તારા ગયા પછી હું ખાલી ખમ જ રહ્યો છું. સાવ ફકીર જેવી હાલત થઈ ગઈ છે મારી. મને કોઈ પસંદ નથી આવતું, કોઈને હું પસંદ નથી. મારા પરિવારના લીધે મે તને ગુમાવી છે. હવે મે મારા પરિવારને તરછોડી દીધો. ચલ શિવાની આપણે એક થઈ જઈએ." આ સાંભળતાં જ મન માં ઉમંગ નો દરિયો છલકાય ગયો. "તું જ્યાં કહે ત્યાં આવવા તૈયાર હું પ્રેમ." 

"તો તને કોઈ વાંધો નથી, કે હું માં નહિ બની શકું?" 
"ના શિવાની જરાય નહિ!" પ્રેમે શિવાની ને ઘૂંટણ પર બેસીને એકરાર કર્યો. 

|ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તને ય ખબર હોવી જોઇએ.

એક રોશની રહે છે સતત મારા પંથમાં,
મારા ઉપર તમારી નજર હોવી જોઇએ.

લાગે છે ઠોકરો ને છતાં દુઃખ થતું નથી,
બસ આ જ તારી રાહગુજર હોવી જોઇએ.

નિષ્ફળ પ્રણયનો દોષ તો દઉં હું તને મગર,
મારી ય લાગણીમાં કસર હોવી જોઇએ.

ચાલું છું એમ થાઉં છું મંઝિલથી દૂર હું,
ઊલટી દિશાની મારી સફર હોવી જોઇએ.

હટવા દો અંધકાર, એ દેખાઇ આવશે,
આ રાતમાં જ ક્યાંક સહર હોવી જોઇએ.

આ બહારનું જગત તો જૂઠાણાંનો ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.

‘બેફામ’ જ્યાં ચણાયો હશે એમનો મહેલ,
એની જ નીચે મારી કબર હોવી જોઇએ.| 

- બેફામ

Comments

  1. બધી જ વાર્તા વાંચી..... ખરેખર ખૂબ જ સરસ છે...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!