અંધારીયે ઉજાસ ભાગ ૬

મઝા આ કલ્પનાની છે, એ સમજાવી નથી શકતા;
તમે બોલાવો છો અમને, અમે આવી નથી શકતા!
~ મરીઝ

"કોઈ છે?" રાજ દરવાજો ખખડાવતા બોલ્યો.
એક મહિનો થઈ ગયો પણ સલોનીના પપ્પા તરફ થી કોઈ એંધાણ આવ્યું નહોતું, એટલે કસ્ટમર રિલેશન વધારવાના હોય એમ રાજ ડો પ્રકાશને એની હોસ્પિટલ મળવા આવ્યો હતો. 
"અરે! રાજ આવને અંદર." સલોની ને એની રાહ જોતી હોય એમ બોલી. 
રાજ એ થોડી આડી અવડી વાતો કરીને અંતે કહ્યું, " સલોની, તું એવું જ સમજતી હોય કે હું કિયારાને છોડીને તારી પાછળ પડ્યો છું તો એ વાત ખોટી છે. તું એક ઘડી પણ મારી સાથે વાત કરવા તૈયાર નથી હોતી. આજે ખબર નહિ કેમ એટલું શાંતિથી વાત કરે છે.... ." 
"રાજ, કઈ વાત ખોટી છે? આખી દુનિયા જાણે છે તારા બદલતા રંગ. પણ જા તને માફ કર્યો." 
"હું માફી માંગવા નથી આવ્યો. તારો હાથ માંગવા આવ્યો છું. " 
"તું આશા મૂકી દે, મારા જીવનમાં કોઇક છે." સલોની એ વાત કાપી નાખી. રાજ તો ત્યાંથી એ જ મિનિટ એ ગાયબ થઈ ગયો 

બધો આધાર છે એનો જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ.
-અબ્બાસ અબ્દુલઅલી વાસી 'મરીઝ'

સલોની ને થોડી શાંતિ થઈ રાજને આમ ના પાડીને. આમ પણ એમબીબીએસ નું પરિણામ આવવાને એક જ દિવસની વાર હતી. પછી એ હેતને હા પાડશે એવું વિચાર્યું હતું. આમ પણ હેતને કાગળ લખી લખીને એની સાથે રહેવાની ઉત્સુકતા વધી ગઈ હતી. વિચારોના ગોટાળામાં સલોની એવી રીતે ફસાઈ હતી કે જાણે આજે પાક્કો નિર્ણય નહિ થયો તો બધું અધૂરું રહી જવાનું હોય. 
તરત પોતાની પોશ કાર કાઢીને પહોંચી ગઈ હેત ના ઘરે. પત્રવ્યવહાર ચાલુ હતો એટલે હેતની ઓફિસ અને ઘરનું સરનામું સલોનીને ગોખાય ગયું હતું. 

"કોઈ છે?" સલોની એ હેત ના ઘરનો દરવાજો ખખડાવ્યો. સલોની મનોમન વિચાર કરે છે, ' હું શું કામ રાજની ભાષા બોલું છું? એક તો મને એ પણ નથી ખબર કે હેતના પરિવાર મા કોણ છે.  હું કોને ત્યાં ઉભી છું. ' 
થોડીવાર રાહ જોયા પછી એક નોકર જેવા લાગતા માણસે દરવાજો ખોલ્યો. 
" મી. હેત દિવાન મળશે?" અધીરી થતી સલોનીએ પૂછ્યું. 
" મેડમ તમે કોણ છો? તમે નજીકના સંબંધી નથી લાગતા." એ નોકરે અતડો જવાબ આપ્યો. 
આ વાતો ચાલતી હતી ત્યાં જ એક શેઠાણી જેવી લાગતી મહિલા આવી. " તમે કોણ છો? " 
" હું સલોની . ડો સલોની પુરોહિત. તમે હેત ને બોલાવશો? આ સમયે એ ઘરે જ હોય છે એટલે હું મળવા આવી છું. " 
"હું હેત ની મમ્મી. બેટા તું હેતની બધી માહિતી રાખે છે, પણ આ સમયે એ અહયા હોય છે એ વાત ખોટી છે.  હેત તો... " કહીને હેતના મમ્મી અચકાય છે. 
"એ તો શું આંટી?" 
" હેત ની વિદાય થયા ને મહિનો થઈ ગયો છે." 
" શું??" સલોની ને આ શબ્દો એટલા જોરથી વાગ્યા કે થોડીવાર એકદમ સુન્ન થઈ ગઈ. "તમે કઈ વિદાય ની વાત કરો છો?" 
" બેટા, હેત ને જે આટલું નજીક થી ઓળખે એણે એક મહિને ખબર પડે એવું બને નહિ. મને નવાઈ લાગે છે કે તું એના બેસણા માં કેમ નહોતી?" 
આ સાંભળતા જ સલોની ના શરીર માંથી આત્મા ચાલી ગઈ હોય એમ નિર્જીવ થઈ ગઈ. હેતના મમ્મીએ એને જોરથી પકડીને હોશમાં લાવી.
 " છોકરી, મને નથી ખબર તું એની કેટલી નજીક હતી, પણ અત્યારે તું નીકળી જા અહિયાં થી...." કહીને એ માતા એ સલોનીને કોઈ દગાબાજ છોકરી સમજીને કાઢી મૂકી. 
સલોની માંડ માંડ પોતાને સાચવતી પોતાની ગાડી પાસે પહોંચે છે. .       સલોની અફાટ રુદન સાથે સફર કરીને પાછી વળે છે. પોતાની એકલતાને પોતાનો દોષ માનીને એક સુમસાન બાકડે બેસે છે. 

" મને માફ કરજે સલોની." 
' આ અવાજ તો રાજ નો  છે. પણ એ અહિયાં શું કરે છે. ' સલોની વિચાર કરે છે. 
" રાજ, તું મારો પીછો કરે છે?" 
"  હા, હું તારો પીછો કરું છું. " 
" પણ શું કામ? તને મે નાં પાડી છે, સમજી જા અને મને એકલા રેહવા દે. " કહીને સલોની રડી પડે છે. 
રાજ પાસે કાઈ કહેવા જેવું નથી હોતું એટલે એ બાજુના બાંકડે બેસી જાય છે. 
સલોની થોડી સ્વસ્થ  થઈ ગઈ હતી. હવે મનમાં સવાલ સુજે છે, 
કે એને રોજ કાગળ કોણ લખતું હતું? રોજ આટલી વાતો, રોજનું એનું પ્રેમ ભર્યું ભાથું... એ બધું શું હતું? મગજમાં આટલો બધો બોજો હતો કે આ બધા પ્રશ્નો કોણ આપશે એનો કોઈ જવાબ એને જડતો નહોતો. 

સલોની ના બદલાયેલા ભાવ જોઇને રાજ એની પાસે આવ્યો. 
" તું પત્ર વિશે વિચારે છે? " સલોની ને પૂછ્યું 
" તને કેમ ખબર? " 
" મને હવે આજે બોલવા દેજે, રોકતી નહિ. " રાજ જાણે વાયદો માંગતો હોય એમ બોલ્યો. 
"હા, બોલ હવે મારે સાંભળવાનું જ બાકી રહ્યું. " 
" કુલુ મનાલી થી આવ્યાના બીજા જ દિવસથી  હું તારો પીછો કરું છું. મને તારા અને હેતની એક એક ઘડીની ભાન હતી. હું ખાલી જાણવા માંગતો હતો કે હેત તારા માટે યોગ્ય છે કે નહિ. એ વાત ની ખાત્રી થતાં હું તમારા બંને વચ્ચેથી દૂર જતો રહેતો. પણ  ..
પણ જે દિવસે તમે છેલ્લીવાર મળ્યા હતા હું ત્યાં જ હતો. તું નીકળી પછી હેતની ખબર રાખવા હું એની પાછળ પણ ગયો. " 

સલોની વાત ને એવી રીતે સાંભળે છે જાણે એની સાથે કોઈ રમત રમાય ગઈ છે અને એની ભનક પણ નહિ થવા દીધી રાજ એ! 
એના ચહેરાના હાવભાવ જોઇને રાજ વાત આગળ વધારે છે, " પણ હું એની પાછળ જ હતો, એણે મારી તરફ ઈશારો કર્યો.  હું સમજી ગયો કે હેત ને  આભાસ થઈ ગયો છે મારી કરતૂત નો! એટલે અમે બન્ને એ ગાડી રોકી. હેત ગાડી માથી ઉતરીને મારી તરફ  દોડ્યો. હું એનાથી બચવા આગળ ધસી પડ્યો, ત્યાં એક વિસ્ફોટ થયો. પાછળ વળીને જોયું તો મારી ગાડી સાથે હેત....... " 
રાજની આંખ માં આંસું આવી ગયાં. પણ બોલતા અટક્યો નહિ. 
"સલોની મારી ગાડી માથી ધુમાડો નીકળતો હતો, હેત મને બચાવવા દોડ્યો હતો, કદાચ એ મને ઓળખતો પણ નહિ હોય. સલોની મને માફ કરજે, મને માફ કરજે." 
એક જ દિવસમાં આટલા બધા દુઃખ કેમ આપ્યા હશે વિધાતા એ એવું વિચારતી સલોની રાજને શાંત કરવા લાગી. 
" અને એ બધા પત્રો, બધા પત્રો મે લખ્યા હતા. હું જ હતો જેણે તને આ માઠા સમાચારની ખબર નથી લાગવા દીધી. " 
" તો કુલુ મનાલી માં તો તું કિયારાના ગીત ગાતો હતો. એ બધું શું હતું રાજ?" 
" સારું થયું તને કીયારા અને દેવ એ વાત નથી કરી, પણ એ તને ઈર્ષ્યા કરવાનું એક સાધન હતું. મને ઘણા સમયથી ખબર હતી કે તું મને પસંદ કરે છે. મને થયું કદાચ હું કીયરા નું નામ લઈશ તો તું થોડી ગુસ્સે થઈશ પછી હું તને સંભાળી લઈશ. " " અને તને પ્રપોઝ કરવા ઘણી તૈયારી કરી હતી. ગીત ગાવું એતો ખાલી તને ચીડવવા માટે હતું. " 

સલોની ને આટલા સત્ય ક્યારેય એક દિવસમાં ખબર નહોતી પડી. 
રાજને ભેટીને રડી રહેલી સલોની બોલે છે, " હું તને નફરત કરું છું. I hate you. Raaj...." 



" I love you too... "  રાજ તરત જવાબ આપે છે. 


જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં, આખરી સમજી લીધી.
- મરીઝ
 

Comments

Popular posts from this blog

સિગારેટ

બધું બરાબર છે.

બોડી શેમિંગ!!